Activities
માસિક શિવરાત્રી
દેવોના દેવ મહાદેવ ભગવાન શ્રી શંકર, શિવાલય આપણીપ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને છે. શિવાલયમાં વર્ષ દરમિયાન દર માસની વદ તેરસે આવતી શિવરાત્રીએ શિવજીના પૂજા-અર્ચનો પરંપરાગત પૂજા યજમાનો દ્વારા ધામના પૂજારી મારફત વિધિવત રીતે કરવામાં આવે છે. સંસ્થાએ તેમને બધી જ સવલતો પૂરી પાડી છે. આ શિવરાત્રીએ અન્ય શ્રદ્ધાળુ શિવભકતો પણ નિયમિત રીતે પધારી લાભ લે છે.
મહાશિવરાત્રી ઉત્સવ
પ્રતિ વર્ષ મહાવદ તેરસની મહાશિવરાત્રી પર્વની ઉજવણી સંસ્થાના ઉપક્રમે ઊજવવામાં આવે છે. અનાવિલ સમાજ દૂર દૂર થી, શહેર, કસ્બા, ગામોમાંથી ધામે પધારી પોતાના આરાધ્ય દેવ શ્રી શુકલેશ્વર દાદાની પૂજા કરે છે. હોમાત્મક લઘુરુદ્રના યજમાનો આ પૂજાવિધિ આચાર્ય અને સાથી ભૂદેવો સંપન્ન કરાવે છે. ધામના શ્રી જ્યોતિન્દ્ર પ્રવેશ દ્વારે થી શિવાલય, પૂજ્ય ગાંડા મહારાજ સ્મારક વગેરે સુધી રોશનીનું આયોજન, મહાદેવજી ઉપર ચાંદી જડિત મુખવટા નો શણગાર , ઘી ના કમળોથી સુશોભિત શિવાલયના દર્શનથી અલૌકિક દિવ્યતાનો અહેસાસ થાય છે. યાત્રાળુઓ માટે આવાસ, ભોજન, ફરાળની વ્યવસ્થા, પૂછપરછ માહિતી વિભાગ, તેજસ્વી તારલાઓનું અભિવાદન સમારોહ, પૂજન અર્ચન વિધિ વગેરે કમિટિના સભ્યશ્રીઓ એ તેમજ સંસ્થાના કર્મચારીઓ પાર પાડે છે. આ પર્વે ધામે મેળાનો માહોલ સર્જાય છે. સહકારી સંસ્થાઓના ઉત્પાદિત ચીજોના સ્ટોલ તથા અન્ય સ્ટોલોનું મોટી સંખ્યામાં આયોજન થાય છે. શ્રદ્ધા, ઉમંગ અને ભક્તિમય માહોલમાં આ ઉત્સવ સંપન્ન થાય છે.
આ દિવ્ય ધામે વર્ષભર યજ્ઞ, હવન, સત્યનારાયણની કથા, ધ્યાન, જય, અનુષ્ઠાન, ભજન કિર્તન થતા રહે છે તથા દત્ત ભક્તિના પરમ ઉપાષક અનાવિલ સંત પૂ. ગાંડા મહારાજની જન્મ જયંતિ, પૂણ્યતિથી ગુરુપૂર્ણિમા, શ્રી હનુમાન જયંતિના ધાર્મિક પર્વો ઊજવાય છે. પાદુકાપૂજન વિધિ કમિટિ સભ્યશ્રીઓ હાજર રહી યજમાન પદે બેસી ઉજવે છે.
સર્વજન માટે સમૂહ કાલસર્પદોષ નિવારણ વિધિનું પણ આયોજન આપણે કરતા રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસે શુકલેશ્વર ધામે દિવ્યતાની અનુભૂતિ થાય છે. શ્રાવણ સોમવારે આ ધામે અલૂણા વ્રત તથા સોળ સોમવાર ધારિણી કિશોરીઓ તથા દર્શનાર્થીઓની મોડી સાંજ સુધી કતારો હોય છે. હરિભક્તો પદયાત્રા કરી ધામે પધારે છે. દૂધ-પાણી ના અભિષેક, બિલિપત્રો, શ્રીફળો, પુષ્પ, આદિની અર્પણવિધિથી શિવાલયમાં પ્રત્યેક પળ શ્રદ્ધા ઉમંગથી સભર બની રહે છે.
ધામે ગૌમાતા
રંગ અવધૂત આશ્રમ હરિપુરા સુરતના સંચાલક તરફથી આ સંસ્થાને ગીરગાય ભેટમાં મળેલ છે. ૨ ગાય, ૧ વાછરડી, ૧ વાછરડાની જાળવણી થઈ રહી છે. આ દૂધની ધારા મહાદેવ ઉપરના કળશમાં આવે છે. વર્ષો પહેલાં આ સંસ્થાએ ગૌશાળાનું જતન કર્યું હતું. કેટલીક પ્રતિકુળતાને કારણે આ પ્રવૃત્તિ સમેટવી પડી હતી. આજે આ સદ્કાર્ય પ્રવૃત્તિ જીવંત થઈ છે. તમારા તથા દિલાવર દાતાશ્રીઓના સહકારથી આ પ્રવૃત્તિ આગળ વધશે.
સમૂહ યજ્ઞોપવિત સમારોહ
બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો પ્રતિવર્ષ યોજાતો સદગત છોટુભાઈ દયાળજી દેસાઈ સંદલપૂર સમૂહ જિ. નવસારી યજ્ઞોપવિત સંસ્કાર શાસ્ત્રોક્ત વૈદિક પદ્ધતિથી સાદાઈ તથા તેમના સ્વજનો તેમજ સંસ્થાના કાર્યકરોની હાજરીમાં આપવામાં આવે છે. પૂજ્ય ગાંડા મહારાજ સંસ્કાર હોલમાં આયોજનબદ્ધ પૂજાવિધિ, આવાસ, ફરાળ વગેરેની વ્યવસ્થા ખુબ જ સારી રીતે કરવામાં આવે છે. કેન્ટીન ભોજન વ્યવસ્થા તથા તૃપ્તિગૃહનો લાભ યાત્રાળુઓ, પ્રવાસીઓને મળી રહ્યો છે. આ વ્યવસ્થાઓ ધામ ખાતે કાયમી ધોરણે કરાયેલી છે. ચારે તરફ વનરાજી વચ્ચે નિર્માણ થયેલ આ સુવિધા પ્રવાસીઓને હળવાશ-શાંતિ આપે છે.
આપણું આ મંડળ સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે. મહાશિવરાત્રી સમારોહ પૂ. ગાંડા મહારાજ સંસ્કારભવનમાં મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજવામાં આવે છે. પૂર્વે જ્ઞાતિના તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર જ્ઞાતિજનોનું અભિવાદન તેમજ જુદા જુદા ફંડમાં વર્ષ દરમ્યાન અંકિત દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર યુવક-યુવતીઓને રજતચંદ્રક, રોકડ પારિતોષિક તેમજ અભિવાદન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવે છે. સમગ્ર સમારોહ ઉમંગ, ઉત્સાહ અને પ્રસન્નતા સભર હોય છે.
તબીબી સહાય
શ્રી રસીકલાલ મગનભાઈ દેસાઈ, કતારગામ અર્પિત બપ્પાઈબા સદગત જમનાબેન નીછાભાઇ દેસાઈ, ગં.સ્વ. શારદાબેન ઉર્ફે લલિતાબેન ખંડુભાઈ કલ્યાણજી દેસાઈ ખારા અબ્રામા શિશુ તબીબી સહાયનિધિ તથા સદગત સુમિત્રાબેન મનુભાઈ દેસાઈ ચણવઈ જનરલ તબીબી સહાયનિધિ તથા વર્ષમાં મળેલ અન્ય અંકિત દાનની રકમના વ્યાજમાંથી દર વર્ષે તબીબી સહાયનું વિતરણ કરવામાં આવે છે.
શિક્ષણ સહાય ચંદ્રકો સાથે
અનાવિલ દાતાઓ તરફથી સંસ્થાને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય ફંડમાં મળેલ દાનના વ્યાજની રકમમાંથી તથા સદગત શ્રી અનુભાઈ અમુલખરાય દેસાઈ મહુવાકર ગરીબ અનાવિલ વિદ્યાર્થી સહાયનિધિમાંથી શિષ્યવૃત્તિ તથા સુવર્ણચંદ્રક, રજતચંદ્રક અને રોકડ પારિતોષિક વિદ્યાર્થીઓને દર વર્ષે આપવામાં આવે છે.
અસહાય મહિલા - વિધવા સહાય
શ્રીમતિ સુશીલાબેન ઠાકોરભાઈ મહેતા - મુંબઈ તથા શ્રીમતિ ઈંદુબેન શાંતિલાલ દેસાઈ - યુ.કે. વિધવા સહાય ફંડમાં મળેલ દાન તથા વર્ષાન્તે આ માટે જ મળેલી અન્ય અંકિત દાનોના વ્યાજમાંથી બહેનોને સહાય ઘરબેઠા પહોચાડવાની કામગીરી વ્યવસ્થાપક સમિતિના સભ્યો દર વર્ષે કરે છે.
અસહાય પુરુષોને સહાય
સદગત શાંતિલાલ રતનજી દેસાઈ - ભદેલી - યુ.કે. અસહાય પુરુષ ફંડમાં દાનની રકમના વ્યાજમાંથી પુરુષોને સહાય ઘરબેઠા પહોચાડવાની કામગીરી વ્યવસ્થાપક સમિતિના સભ્યો કરે છે.
ખેતી અને બાગકામ
શુકલેશ્વર ધામમાં આવેલ સ્વ. છીણાભાઈ હરિભાઈ દેસાઈ સાંઈવાલા, દેગામ અર્પિત જમીનમાં આવેલી આંબાવાડી - નાળિયેરી વગેરેની માવજત - દેખરેખથી દર વર્ષે સારી ઉપજ લઈએ છીએ.
શ્રદ્ધાંજલિ - આશ્વાસન પત્રો
જય શુકલેશ્વર માસિકને જે અવસાન સમાચારો મળે છે તેની નોંધ લઇ આપણે સદગતને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા રહ્યા છે. વર્ષ ૨૦૦૫ થી આપણે દક્ષિણ ગુજરાતના દૈનિકોની અનાવિલ અવસાનની જાહેરખબરને આધાર માની સદગતના પરિવારને આશ્વાસન પત્રો ધામેથી પાઠવવાનું શરુ કરેલ છે. પ્રતિભાવો સારા રહ્યા છે. તેમને હુંફ મળી છે તો કેટલાક પરિવારોએ ઋણ સ્વીકાર કરી સદગતની સ્મૃતિમાં દાનો પણ મોકલે છે.
આપણી આ વાત છે
શ્રી શુકલેશ્વર મહાદેવ મંડળ અનાવલ આપણા સમાજનું ઉત્તરદાયિત્વપણ નિભાવી રહ્યું છે. સમાજના ઉત્થાન સંવર્ધનના કામો પણ કરી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષના આંકડા એની પ્રતીતિ કરાવે છે. પ્રતિવર્ષ આ ત્રણે ક્ષેત્રમાં સહાય અરજીઓ વધતી જ રહી છે. આપણા ગામ-કસ્બા-શહેરમાં શ્રી શુકલેશ્વરનો નારો ગુંજતો કરીએ અને શ્રી શુકલેશ્વર તીર્થધામે પધારીએ…..
વર્ષ | વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય/ચંદ્રક | વિધવા/અસહાય મહિલા/અસહાય પુરુષ સહાય | તબીબી સહાય |
---|---|---|---|
૨૦૦૨-૨૦૦૩ | ૩૦૧ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૩,૦૬,૭૦૦ | ૧૬૬ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૧,૬૨,૫૦૦ | ૧૯ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૯૭,૦૦૦ |
૨૦૦૩-૨૦૦૪ | ૩૧૪ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૩,૦૭,૬૦૦ | ૧૫૯ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૧,૮૫,૧૦૦ | ૨૫ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૧,૮૦,૫૦૦ |
૨૦૦૪-૨૦૦૫ | ૨૫૮ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૩,૮૯,૫૫૦ | ૧૮૩ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૨,૦૯,૬૦૦ | ૪૩ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૩,૩૮,૫૦૦ |
૨૦૦૫-૨૦૦૬ | ૨૪૭ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૫,૦૧,૪૭૮ | ૨૨૭ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૨,૭૪,૯૦૦ | ૩૪ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૩,૪૩,૦૦૦ |
૨૦૦૬-૨૦૦૭ | ૨૩૯ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૫,૨૫,૧૮૯ | ૧૯૬ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૨,૮૪,૨૦૦ | ૨૮ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૩,૧૮,૦૦૦ |
૨૦૦૭-૨૦૦૮ | ૨૬૭ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૬,૦૩,૯૧૦ | ૨૩૯ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૩,૪૧,૨૦૦ | ૪૦ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૫,૦૫,૦૦૦ |
૨૦૦૮-૨૦૦૯ | ૨૮૪ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૬,૫૦,૬૧૬ | ૨૩૭ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૩,૭૪,૪૦૦ | ૪૦ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૫,૫૮,૦૦૦ |
૨૦૦૯-૨૦૧૦ | ૩૨૧ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૮,૨૧,૪૦૦ | ૨૬૦ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૪,૭૩,૦૦૦ | ૫૭ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૬,૫૨,૦૦૦ |
૨૦૧૦-૨૦૧૧ | ૨૫૦ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૯,૯૯,૩૬૦ | ૨૬૨ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૫,૩૧,૧૦૦ | ૩૭ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૭,૦૮,૦૦૦ |
૨૦૧૧-૨૦૧૨ | ૩૨૩ વિદ્યાર્થીઓને કુલ રકમ રૂ. ૧૦, ૩૬,૩૭૯ | ૨૫૪ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૬,૫૮,૦૦૦ | ૫૧ વ્યક્તિને સહાય કુલ રકમ રૂ. ૭,૩૬,૦૦૦ |